પ્રસ્તાવના :-
દર વખતની જેમ આ વર્ષે પણ ઉનાળાનું વેકેશન પડે એ પહેલાં જ બે મહિનાથી શ્રીમતીજીનો ફરવા જવાનો ઉન્માદ આરંભાયો હતો. હવે તો અમારે એ જ છેલ્લાં ઘણાં સમયથી ટૂર ગાઈડનું કામકાજ સંભાળે છે.એમને મળી જાય છે બે પરિપક્વ સંતાનોનો સાથ.એમાં વધુ એક પાત્ર ઉમેરાયું તે અમારી પુત્રવધૂ એન્સી.આ ત્રણ જણ ભેગાં મળી ઘરેથી જ બધું આયોજન કરે.કઈ તારીખે ક્યાં જવાનું, ત્યાં કેટલું રોક્વાનું...વગેરે વગેરે.
બે મહિના પહેલેથી ઉઠેલો એ ઉન્માદ ક્રમશઃ, ચર્ચા-વિચારણા, મીટિંગો,અમારા ચારેયની રજાના સેટીંગ્સ્ અને ખિસ્સાને પરવડે એવાં ફાઇનાન્સિયલ પ્લાનીંગમાંથી પાર પડીને એક ફાઈનલ ડીસીશન પર પહોચે. એમાં સૌ પ્રથમ ડેસ્ટીનેશન નક્કી થાય. ત્યારબાદ જે તે સ્થળની આસપાસના જોવાલાયક સ્થળોને આધારે ત્યાં રોકાવાના દિવસો નક્કી થાય.આમ આ વખતે અમારા ફેમિલી તરફથી ડેસ્ટીનેશન તરીકે મધ્ય પ્રદેશમાં આવેલા મહેશ્વર, માંડુ, ભોપાલ અને પંચમઢી જેવાં સ્થળો પસંદ કર્યા હતાં.સમયગાળો 28.5.22 થી 4.6.22 સુધીનો હતો.
પ્રથમ દિવસ - તારીખ 28.5.22
અમારી યાત્રા આરંભાઈ તારીખ 28.5.22 ને સવારે 3.30 વાગ્યાથી.વાયા ઉમરેઠ, ડાકોર, ગોધરા, દાહોદ,જાબુઆ, સરદારપૂર, ધાર, ધામનોદ જેવાં નગરો પસાર કરીને નોન સ્ટોપ ટ્રાવેલીંગ કરીને 360 કિ.મી. દૂર મહેશ્વર ફોર્ટ પહોંચ્યા હતાં. ડ્રાઈવીંગ નિસુએ સંભાળ્યું હતું. તેને એન્સી અને સાક્ષી વારાફરતી ગૂગલ ગાઈડની મદદથી રસ્તો બતાવતાં હતાં. વચ્ચે કલાકનો એક હોલ્ટ સરદારપૂર મીડ વે ટ્રીટ પર ચા,નાસ્તો અને રીફ્રેશમેન્ટ માટે પસાર કર્યો હતો. મહેશ્વર ફોર્ટ એ રાણી અહલ્યાબાઈએ નર્મદા કિનારે વસાવેલું એક પ્રાચીન શહેર છે.ફોર્ટ નજીકમાં આવેલાં પાર્કિંગ પ્લોટમાં કાર પાર્ક કરીને બે ગાઈડનો અલગ અલગ સંપર્ક કરતાં જોવાલાયક સ્થળોનો વરતારો મેળવીને મહાદેવ રાઠોડ નામના ગાઈડને સાથે લીધો હતો. તેના ચાર્જમાં પાર્કિંગથી ફોર્ટ સુધીના પરિવહનનો ચાર્જ પણ આવી જતો હતો.એ અમને અમારી કાર દ્વારા અથવા છકડા દ્વારા ફોર્ટ સુધી લઈ જવાનો હતો.અમે કારની ના પાડતાં એણે છકડો બોલાવી લીધો હતો.એમાં લગભગ 500 મીટર જેવું બેસીને અમે ફોર્ટના ગેટ આગળ પહોંચ્યા હતાં.એન્ટ્રન્સમાં જ ધી અહલ્યા ફોર્ટ નામની હોટલ હતી.ત્યાં રીફ્રેશમેન્ટસ્ પતાવીને મહાદેવ સૌ પ્રથમ એક ચોકમાં રાણી અહલ્યાબાઈના સ્ટેચ્યુ આગળ લઈ જઈને માલવા/માંડુ ના ઈતિહાસ અને મહેશ્વર ફોર્ટનું નિર્માણ તથા અહલ્યાબાઈએ કરેલાં કાર્યોની રૂપરેખા આપી હતી.બાદમાં ફોર્ટ પરિસરમાં આવેલ દરબાર ભરવાની જગા, શિવલિંગ નિર્માણ, ચાંદીની મૂર્તિનું મંદિર તેમજ અલગ અલગ પાંચ પ્રકારના મંદિરોમાં માહિતી સાથે ફેરવીને છેલ્લે નર્મદા કિનારે કે જે અહલ્યાબાઈ ઘાટ તરીકે ઓળખાય છે ત્યાં લઈ ગયો હતો.આ તમામ જગ્યાઓ અદભૂત અને ભવ્ય રીતે નિર્માણ પામેલી છે.એ જોઈને અમે સૌ અભિભૂત અને અત્યંત આનંદિત થઈ ગયાં હતાં.નદી કિનારેથી આ ફોર્ટનો નજારો એકદમ અદભુત હતો.આ તમામ જગ્યાઓએ ફોટા પાડવાની મજા પડી ગઈ હતી.બાદમાં અમે સહસ્ત્રધારા નામના વોટર ફોલ સુધીની બોટ યાત્રા કરી હતી.ત્યાંથી પાછા ફરીને અમે પાછાં અહલ્યાબાઈ ઘાટ થઈને છકડામાં બેસીને પાર્કિંગમાં પરત ફર્યાં હતાં. ત્યાંથી અમે લંચ પતાવીને માંડુ જવા રવાના થયાં હતાં.

























































ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
માલવા રિસોર્ટમાં સામાન ગોઠવીને ફ્રેશ થઈને અમે સાંજના હાથી દરવાજા અને હિંડોળા મહેલની લાઈટ એન્ડ સાઉન્ડ શો નિહાળ્યો હતો.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
બીજો દિવસ - તારીખ 29.5.22 રવિવાર
આજના આયોજન મુજબ અમે સવારે અમારા માલવા રિસોર્ટમાં મળનાર કોમ્પ્લીમેન્ટરી ચા નાસ્તો કરીને, નાહી ધોઈને પરવારીને માંડુના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાં નીકળ્યાં હતાં.
સૌ પ્રથમ અમે માંડુનું મુખ્ય આકર્ષણ એવાં રાની રૂપમતીનો મહેલ, રેવા કુંડ, અને બાજબહાદૂર મહેલની મુલાકાતે નીકળ્યા હતા.ટિકીટ બારી આગળ ઉભેલાં ટુરિસ્ટ ગાઈડ સાથે ભાવતાલ કરાવીને અમે સેવારામ નામના ગાઈડને સાથે લીધો હતો.
રૂપમતી મહેલ લગભગ 2100 મીટરની ઉંચાઈ પર પહાડ પર બાજબહાદૂરખાને પ્રેમના પ્રતિક તરીકે બનાવેલો મહેલ છે.સેવારામે અમને ઉપર ચઢતાં પહેલાં આખા મહેલના નિર્માણ, માલવાનો ઈતિહાસ, માન્ડુનું નિર્માણ વગેરે હકીકતો લગભગ અડધા કલાક સુધી સમજાવી હતી.પછી એ અમને મહેલના બધા કક્ષ અને બાંધકામ સમજાવતો સમજાવતો છેક ઉપર લઈ ગયો હતો.
રૂપમતી મહેલની વિશેષતા એ છે કે રૂપમતી કે જે નિમાડના રાજાની રાજકુમારી હતી એના પરિચયમાં સંગીતના માધ્યમથી બાજબહાદૂર આવતાં એમની વચ્ચે પ્રણય થતાં એને માંડુ લાવવા, એની રોજ નર્મદાના દર્શન કરવાની ઈચ્છા પૂર્ણ કરવાં, નિમાડથી 30 કિ.મી.દૂર આ મહેલ 48 કલાકમાં બંધાવ્યો હતો. આ મહેલની ઉપર ખૂબ જ પવન અને ઠંડુ વાતાવરણ હતાં. મહેલ નિમાડ અને માંડુની સરહદ પર છે.અહીં મજાની ફોટોગ્રાફી કરીને અમે રેવાકુંડ તરફ ગયા હતાં.
ચોમાસામાં નર્મદાના દર્શન ન થઈ શકતાં રૂપમતીએ કાંઈ કરવાનું કહેતાં માતાજીએ એમને દર્શન કરીને ત્યાં કુંડ બનાવવા કહ્યું હતું.રૂપમતીએ સાબિતી માંગતા માતાજીએ કહ્યું હતું કે એ જગ્યાએ ખોદકામ કરશો તો નદીની રેતી અને શંખ,છીપ નીકળશે.બાદમાં આ રેવાકુંડ રૂપમતીની વિનંતીથી બનાવવામાં આવ્યો હતો.
ત્યારબાદ અમે બાજબહાદૂર ખાનના મહેલમાં પાણીના હોજની આસપાસ બનાવેલા ત્રણ સંગીત જલસા માટેના વિશાળ હોલની મુલાકાત લીધી હતી.ત્યાં ક્લાસ ફોટોગ્રાફી કરી હતી.
ત્યાંથી અમે પાછા માલવા રિસોર્ટ જઈને ફ્રેશ થઈને જહાજ મહલ જોવાં નીકળી ગયા હતાં.ત્યાં પણ અમે પરવેઝ કુરેશી નામના ગાઈડને સાથે રાખ્યો હતો.જહાજ મહલ પરિસર ખૂબ જ મોટા વિસ્તારમાં ફેલાયેલો વિસ્તાર છે.આ મહેલની બન્ને બાજુ મોટા મોટા કુત્રિમ જળાશયો હોવાથી આ મહેલ ઉપરથી જોતા જહાજ જેવો લાગે છે.આ એક અદભૂત મહેલ છે.એમાં પાણી ભેગું કરવાની અને એને શુદ્ધ કરવાની અદભૂત પદ્ધતિથી અમે અભિભૂત થઈ ગયાં હતાં.
બાદમાં અમે એની પાછળ આવેલાં હિંડોળા મહેલ, મસ્જિદ પરિસર, હમામ (કે જ્યાં 15000 સ્ત્રીઓ કામ કરતી હતી), વાવડી, પાણી ફિલ્ટરીંગ સિસ્ટમ, રાજાનો મહેલ વગેરે જોયાં હતાં. બે વાગે અમારા માલવા રિસોર્ટ પરત ફરી, લંચ લઈને પંચમઢી જવાં ભોપાલ તરફ રવાના થયાં હતાં. સાંજે આઠ વાગ્યાની આસપાસ ડાનીસ નગરમાં આવેલી હોટલ ગ્રાન્ડ બ્લીસમાં રાત્રિ રોકાણ કર્યું હતું.અહીં અમારી દીકરી સાક્ષીના મિત્રો એને મળવાં માટે આવ્યાં હતા.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
ત્રીજો દિવસ તારીખ - 30.5.22 સોમવાર
અગાઉના આયોજન મુજબ આજે વહેલી સવારે 5.15 ની આસપાસ ઊઠી જઈને ભોપાલના દાનિસનગરમાં આવેલી હોટલ ધી ગ્રાન્ડ બ્લીસમાંથી સવારે છ વાગે ચેક આઉટ કરીને પંચમઢી જવા નીકળી ગયા હતાં.અહીંથી પંચમઢી 190 કિ.મી.દૂર છે.રસ્તામાં બારી,આષ્ટા પીપલિયા જેવાં નગરો પસાર થાય છે. રસ્તામાં ચા-નાસ્તાના બે નાનકડા બ્રેક કરીને અંતિમ 30 કિ.મી.ઘાટીનો રસ્તો પસાર કરીને અમે 10.00 વાગે પંચમઢી પહોંચી ગયા હતાં. દીકરા નિસર્ગે ખૂબ જ સરસ ડ્રાઈવીંગ કરીને અમને અમારા નિર્ધારિત સમયે પંચમઢી પહોંચાડી દીધા હતાં.
અહીં અમે અગાઉથી બુક કરાવેલ મધ્ય પ્રદેશ ટૂરીઝમના રિસોર્ટ ગ્લેન વ્યુમાં રિસેપ્શનીસ્ટને મળતાં, અમને ચેક ઈન સમય મુજબ 2.00 વાગે રૂમ મળનાર હોઈ, રિસોર્ટના ક્રિએશન રૂમમાં જઈ, ફ્રેશ થઈને નિસર્ગ અને સાક્ષીએ ઓનલાઈન જોબ ચાલુ કરી હતી.દોઢ વાગે અમને રૂમ નંબર 26 અને 27 અપાતાં, અમે નાહી ધોઈને લંચ માટે ગયા હતાં. લંચ પતાવીને પાછાં રૂમમાં આવીને આરામ કર્યો હતો.
બાદમાં છેક સાંજે જોબ પૂરી થતાં પંચમઢીના બજારમાં ટહેલવા નીકળ્યાં હતાં.રસ્તામાં અમલતાસ હોટલ,સ્તંભ ચોક, લેસર શો અને અન્ય દુકાનો જોતાં જોતાં રૂમ પર પાછાં આવી ગયા હતાં.
અમારા ગ્લેન વ્યુ રિસોર્ટમાં જ સવારનો બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર સમાવિષ્ટ હોવાથી અમે અત્રેની રેસ્ટોરન્ટમાં ડિનર લઈને સ્વીમીંગ પૂલ નજીક બેઠાં હતાં અને ત્યાં અંતાક્ષરી રમ્યા હતાં..
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
ચોથો દિવસ તારીખ 31.5.22 મંગળવાર
આજે નિસર્ગ અને સાક્ષીને જોબ ચાલુ હોવાથી બહાર અને દૂર ફરવા જવાનું કોઈ પ્લાનિંગ નહોતું. અમારા રિસોર્ટમાં સવારે 8.30 પછી જ ચ્હા નાસ્તો મળતો હોવાથી અમે લોકો 8.45 વાગે ચ્હા નાસ્તા માટે રેસ્ટોરન્ટમાં પહોંચીને, અમારા પેકેજમાં ચ્હા-નાસ્તો,લંચ અને ડીનર સમાવિષ્ટ હોવાથી, અડધા ભોજન જેટલો જાત જાતનો નાસ્તો દબાવીને સ્વીમીંગ પૂલનો લાભ લેવાનું નક્કી કરીને રૂમમાંથી કોસ્યુમસ્ ચઢાવીને એ માં લગભગ બે કલાક પસાર કરીને, 11 વાગ્યાની આસપાસ હું અને સુનિતા કાર લઈને નજીકમાં આંટો મારવા નીકળ્યાં હતાં.
રિસેપ્શન પર સફારીની પૂછપરછ કરીને અમે બાઈસન લૉજ નામની સરકારી ટીકીટ બારી આગળ જઈને જંગલ સફારી ઉપરાંત અન્ય સફારી અને જોવાલાયક સ્થળોની માહિતી મેળવીને ચંપક લેક ગયાં હતાં.ત્યાં બોટીંગ અને ઝીપ રાઈડીંગની તપાસ કરીને વળતાં બીયર લઈને પાછા રૂમ પર આવી ગયાં હતાં.
અહીં અમને રિસોર્ટમાં ટ્રેનિંગ લેતાં રેક્ષ લોરેન્સ નામના લોકલ છોકરાં સાથે પરિચય થયો.એની સાથે કૂતુહલપૂર્વક વાતો કરતાં એ અને અમે ક્રિશ્ચિયન હોવાને નાતે એણે અમને પંચમઢીના રોમન કેથોલિક ચર્ચ અને એમાં આજે થનાર મા મરિયમની ભકિતની પૂર્ણાહૂતિના સેલીબ્રેશનમાં જોડાવાની માહિતી આપતાં અમે વિશેષ કાંઈ ફરવાનું ના હોવાથી સાંજે ચર્ચ જવાનું અને ત્યારબાદ નાઈટ સફારીનું આયોજન કરી લીધું.
બાદમાં ભરેલાં ટામેટાં, ચીકન ડ્રાય મસાલા, વેજીટેબલ કોફ્તા, પોટેટો ચીપ્સ્ જેવાં ચાર જાતના શાક, બધાં જ પ્રકારના સલાડ, રાયતું અને ગુલાબ જાંબુ જેવાં વ્યંજનોનો ભરપૂર આનંદ માણી છેલ્લે રૂમ પર ખાવા માટે એક એક કેળું લઈને પાછા રૂમ પર જઈ આરામ મુદ્રામાં પ્રવેશી ગયાં હતાં.
4 વાગે ચા પી લીધાં બાદ, રેક્ષનો કોન્ટેક્ટ કરીને હું,સુનિતા અને એન્સી ચર્ચ જવાં નીકળ્યાં હતાં.રેક્ષ અમને ચર્ચ સુધી મૂકવા આવ્યો હતો.ચર્ચ છાવણી વિસ્તારમાં સિક્યુરિટી હેઠળ હોવાથી ગેટ પરથી પરમીશન પણ રેક્ષે લઈ આપી હતી.અમને મૂકીને એ પાછો એની ડ્યુટી પર ગયો હતો.
આ રોમન કેથોલિક ચર્ચ કેન્ટોન્મેન્ટ વિસ્તારમાં હોઈ પરમીશન સાથે ત્યાં જવું પડે છે.ચર્ચમાં આવનાર ભક્તોની યાદી ફાધરે સિક્યુરિટી ગેટ પર જમા કરાવવી પડે છે.આ ચર્ચ 125 વર્ષ જુનું અંગ્રેજોએ બનાવેલું ચર્ચ છે.ખૂબ જ સુંદર લાગે છે.આજુબાજુ પાઈનના ઊંચા વુક્ષોથી ચર્ચની શોભા વધી જાય છે. ત્યાં પવિત્ર મારીયાની ગુલાબ માળાની ભકિત સાથે સરઘસ અને ત્યારબાદ માસ હતી. અમારે 8 વાગે નાઈટ સફારી કરવાની હોવાથી અમારે અધૂરી માસે ત્યાંથી નીકળી જવું પડ્યું હતું. ત્યાં અમને જુદાં જુદાં ત્રણ મંડળોના સિસ્ટરો, બે ફાધરો, અને પચાસેક નોવિશિએટ મળ્યાં હતાં.સિ. કિરણ અને સિ.લ્યુસી સાથે પરિચય થયો હતો.અહીં સ્થાનિક ખ્રિસ્તીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે.ફાધરો અને સિસ્ટરોના તાલીમ કેન્દ્રો અહીં ચાલે છે.
રાત્રે આઠથી નવ સુધી અહીંની ખાસ લીલા રંગની જિપ્સી કારમાં રાજુ નામના ડ્રાઇવર કમ ગાઈડને લઈને નીકળ્યાં હતાં. આઠ વાગવા છતાં મધ્ય રાત્રિ જેવું અંધારુ, ચોમેર સન્નાટો, જંગલી પ્રાણીની બીક, ખાડા ટેકરા અને ઢોળાવો વાળા રસ્તા, જીપ્સીના ડંડાને અડી જતી વૃક્ષોની ડાળખીઓ, જીવજંતુઓના વિવિધ અવાજો...એક થ્રીલીંગ અને આહલાદક અનુભવ...રાજુએ બહુ કોશિષ કરી પણ અમને જોવાં મળ્યાં...પુષ્કળ સસલાંઓ, એક જંગલી સુવર અને રોશનીની જેમ ઝગારા મારતાં મનમોહક આગિયાઓ-જુગ્નુઓની હારમાળા મનને અભિભૂત કરી ગયાં.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
પાંચમો દિવસ તારીખ 1.6.22 બુધવાર
આજે નિસર્ગ અને સાક્ષીને જોબ ચાલુ હોવાથી બહાર અને દૂર ફરવા જવાનું કોઈ પ્લાનિંગ નહોતું. અમારા રિસોર્ટમાં સવારે 8.30 પછી જ ચ્હા નાસ્તો મળતો હોવાથી અમે લોકો 8.45 વાગે ચ્હા નાસ્તા માટે રેસ્ટોરન્ટમાં પહોંચીને, અમારા પેકેજમાં ચ્હા-નાસ્તો,લંચ અને ડીનર સમાવિષ્ટ હોવાથી, અડધા ભોજન જેટલો જેમાં નીચે મુજબની વેરાયટી સમાવિષ્ટ થતી હતી...ચ્હા, કોફી, દૂધ, સિરીયલ્સ, બોઈલ્ડ એગ્સ, ઓમલેટ, વિવિધ ગ્રીન સલાડસ્, ત્રણ પ્રકારના ફ્રુટ, પૂરી-ભાજી, પૌઆ, બ્રેડ બટર જામ, મેંદુવડા- સંભાર, વેજીટેબલ સોટે વગેરે જાત જાતનો નાસ્તો દબાવીને ખાધા બાદ રૂમ પર આવીને, નાહી ધોઈને તૈયાર થઈને 11 વાગ્યાની આસપાસ હું, સુનિતા અને એન્સી કાર લઈને નજીકમાં આંટો મારવા નીકળ્યાં હતાં. સૌ પ્રથમ અમે હાંડી ખો નામની જગ્યાએ ગયા હતાં. ત્યાં હાંડી આકારની ખૂબ જ ઊંડી ખીણ છે.અને આસપાસ સરસ વૃક્ષોથી ભરપૂર વન છે. અહીં ઘોડે સવારી, ટોય કાર્સ, દૂરબીન, સોડા અને કોલ્ડ ડ્રીન્કસની દુકાનો અને શેરડી રસના કોલા જોવાં મળ્યાં હતાં.
પાછા ફરીને અમે બધાયે સાથે રીસોર્ટની ધી કરી પ્લેસ રેસ્ટોરન્ટમાં, પાલક સૂપ, ખીર, ચીકન કરી, વિવિધ સલાડસ્, બે પ્રકારના પાપડ, ત્રણ પ્રકારની રોટી, ખડી મસૂર દાળ,પનીર મખની, ગોબી મટર મસાલા, આલુ બરબાતી, ઘી ભાત અને રાયતાંનો આનંદ માણ્યો હતો.
સાંજના જોબથી પરવારીને અમે નજીકમાં આવેલાં ચંપક લેક ગયા હતાં. આ લેક કુદરત સર્જીત પણ માનવ આરક્ષિત સુંદર અને મોટું તળાવ છે.ઉનાળાની ઋતુમાં પણ અહીં પાણી હતું.આ તળાવ સ્વચ્છ છે.એની ઉપરથી ઝીપ લાઈન પસાર થાય છે.અહીં બોટીંગ પણ કરી શકાય છે. લગભગ બે કલાક પસાર કરીને અમે રૂમ પર પાછા ફર્યા હતાં.
બાદમાં ફરીથી અમે ધી કરી પ્લેસમાં ઈંડા કરી,ડ્રાય મન્ચુરીયન, હૈદરાબાદી પનીર, સ્વીટ કોર્ન સૂપ, વિવિધ જાતના સલાડ, બે જાતના પાપડ, દહીં, શાહી ટૂકડાં (સ્વીટ), હક્કા નૂડલ્સ, દાન તડકા, ભાત વગેરેની જ્યાફત માણી હતી.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
છઠ્ઠો દિવસ તારીખ 2.6.22 ગુરુવાર
આજથી નિસર્ગ અને સાક્ષી બે દિવસ ની રજા પર હોવાથી આ બે દિવસ ફરવાનુ ફુલ પ્લાનિંગ કર્યું હતું. સવારે ચા નાસ્તો કરીને, પરવારીને "બિશન લોજ" નામના સ્થળે જઈને ઉપલબ્ધ સફારીઓ પૈકી 3 નંબરની સફારી 2100 રૂ.ભરી બુક કરાવી. જેમાં નીચેના સ્થળો સમાવિષ્ટ થતાં હતાં.બાદમાં એ ટિકીટને આધારે જંગલ ખાતાનો પાસ રૂ 1100 ભરીને મેળવ્યા બાદ અમને એક જીપ્સી ગાડીનો ડ્રાઈવર તોસિફ કુરેશી અને એક ગાઈડ અનુપ ચૌધરી નંબર મુજબ આપવામાં આવ્યા. અમે આજના રૂટ અંગે ગાઈડ સાથે પૂરેપૂરી ચર્ચા કર્યા બાદ એ અમને ટિકીટ બારીની પાછળ જ આવેલાં મ્યુઝિયમને સૌ પ્રથમ જોવાં લઈ ગયો હતો.અહીં વનવિભાગ દ્વારા વન્ય પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓની માહિતી મ્યુરલ્સ્, ચિત્રો અને ફોટા દ્વારા આપવામાં આવી. વીસેક મિનિટ પસાર કરીને અમે પાંડવ ગુફા તરફ રવાના થયાં.
આ સ્થળનું નામ લોક વાયકા પ્રમાણે પાંડવ ગુફા છે.પરંતુ ગાઈડના કહેવા મુજબ આ ગુફાઓને પાંડવો સાથે કોઈ સંબંધ નથી. સ્થાનિક આદિવાસી લોકોના માનવા પ્રમાણે અહીં પાંચ બૌદ્ધ સાધુઓના મઠ એટલે કે મઢી આવેલી હોવાથી આ શહેરનું નામ પંચમરી પડ્યું હતું.આ ગુફાઓ લગભગ 100 ફૂટની ઊંચાઈ પર છે.નીચેના ભાગમાં સરસ બગીચો બનાવેલ છે.ગેટની આસપાસ પાર્કિંગ ઉપરાંત લીંબુ સરબત, સોડા વગેરેની કામચલાઉ દુકાનો તેમજ ગોલમાલ બાઈકો, એડવેન્ચર કાર અને ઘોડે સવારી કરી શકાય છે.
ત્યાંથી અમે 61 નંબરની જિપ્સી ગાડીથી "બી ફોલ" ગયાં હતાં. બી ફોલ જંગલમાં હોવાથી અહીં એન્ટ્રી પર ટિકીટ ચેક કરવામાં આવે છે. રાજ ભવનની પાછળ જ એન્ટ્રી છે.ત્યાંથી લગભગ 3 કિલોમીટર નીચે જીપમાં ખાડા ટેકરાવાળા રસ્તે નીચે ઉતરતાં ખીણમાં બી ફોલ આવે છે. ગાઈડના કહ્યાં મુજબ આ ખીણ મધ અને મધમાખીઓ માટે પ્રસિદ્ધ હોવાથી આ ફોલનું નામ બી ફોલ પડેલ છે. અહીંનું મધ આર્યુવેદિક દ્રષ્ટિએ ખૂબ જ મૂલ્યવાન ગણાય છે. બાદમાં લગભગ 500 મોટાં મોટાં પગથિયાં નીચે ઉતરીને મુખ્ય ધોધનો લ્હાવો લઈ શકાય છે. લગભગ 200 ફૂટ ઉપરથી ધોધ સીધો નીચે સીધા પહાડને ઘસાઈને નીચે પડે છે.અહીં માનવ મહેરામણ ઉમટ્યો હતો. ગાઈડ ના કહેવા મુજબ પંચમઢીમાં આશરે 200 જિપ્સી જીપ છે અને એમાની બધી જ બુક થઈ જાય છે. મોટાં ભાગની જીપો અહિં એકત્ર થઈ જવાથી અહીં ટ્રાફિક જામની સમસ્યા સર્જાવાથી પ્રવાસીઓનો સમય બગડે છે. અમને અહીં એકથી દોઢ કલાક આપવામાં આવ્યો હતો. અમે 500 પગથિયાં ઉતરી છેક નીચે જઈ પડતાં ધોધનો આનંદ લીધો. ઊંચા પગથિયાં અને સીધાં ચઢાણને લીધે થાકી જવાયું હતું. પરંતુ ખૂબ જ ભીડને લીધે નાહવાનું ટાળ્યું.
ત્યાંથી ફરી પાછાં ઉપર આવી, ગાઈડે જણાવ્યાં મુજબ વહેતી નદીના પાણીમાં પગ બોળીને મૂકી રાખીને નાની નાની માછલીઓ દ્ધારા નેચરલ એક્યુપંક્ચર કરાવવાનો અદભૂત અને અવિસ્મરણીય આનંદ પ્રથમવાર લીધો. ત્યારબાદ લંચ બ્રેક માટે અમારા રિસોર્ટમાં પરત ફર્યા. આજે લંચમાં લેન્ટીલ સૂપ, ગુલાબ જાંબુ, વિવિધ પ્રકારના ગ્રીન સલાડસ્, બુંદી રાયતા, ચીકન કરી, ભીંડી દો પ્યાઝા, મૂંગ દાલ છીલકા, રાજમા મસાલા, કડાઈ પનીર, છાશ હતાં.
લંચ બ્રેક બાદ 4.30 વાગે અમારી સફારી ફરીથી ચાલુ થઈ. સૌથી પહેલાં અમને રીંછગઢ લઈ જવામાં આવ્યાં. ત્યાં લગભગ 200 જેટલાં સ્ટેપ્સ્ ચાલીને એકબીજાને સહારે ટકી રહેલાં બે પહાડો અને એની નીચેની ગુફાઓ કે જ્યાં રીંછ વસતાં હતાં. સરસ મજાની ગુફાઓ અને પહાડોની વચ્ચે ઉપર રાઉન્ડ ખુલ્લું આકાશ આ સ્થળની વિશેષતા અને સુંદરતા વધારે છે.ત્યાં અડધો કલાક રોકાઈને અમને ધૂપગઢ લઈ જવામાં આવ્યાં. રસ્તામાં અમને આસન દર્શન અને ભવ્ય દર્શન નામના બે પોઈન્ટ જીપમાં જ બેસીને બતાવવામાં આવ્યાં હતાં.
ધૂપગઢ મધ્ય પ્રદેશ અને છતીસગઢ સહિત મધ્ય ભારતનું સૌથી ઊંચું શિખર છે. ત્યાં સુર્યનું પહેલું કિરણ પડતું હોવાથી એનું નામ ધૂપગઢ રખાયું હતું.અહીં અંગ્રેજોએ શિકાર વખતે આશ્રય સ્થાન બનાવ્યું હતું. અહીં સનસેટ પોઈન્ટે કલાક પસાર કરીને સૂર્યાસ્તનો આનંદ માણી બાઈસન લૉજ પરત ફર્યા હતાં. આમ અમારી આજની સફારી આનંદદાયક બની રહી હતી.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
સાતમો દિવસ તારીખ 3.6.22 શુક્રવાર
આજે અમારી કાર દ્વારા જ જ્યાં જંગલની એન્ટ્રી ફી ના ભરવાની હોય એવી જગ્યાઓએ ફરવા જવાનું નક્કી કર્યું હતું. દરરોજની જેમ 10 વાગ્યા સુધીમાં ચ્હા નાસ્તો કે જેમાં ચ્હા, કોફી, દૂધ, મેંગો શેક, સિરીયલ્સ, બોઈલ્ડ એગ્સ, ઓમલેટ, પૂરી, વિવિધ ગ્રીન સલાડસ્, ફણગાવેલાં મગ અને ચણા, મેંદૂ વડા, પૌઆ, બ્રેડ બટર જામ,દહીં, સંભાર, વેજીટેબલ સોટે વગેરે હતાં એ તથા સ્નાન વગેરે પતાવીને કાર લઈને નીકળ્યાં.
સૌ પ્રથમ હાંડી ખો નામની જગ્યાએ ગયાં. અહીં ઊંચા પહાડોની વચ્ચે હાંડી આકારની ખીણ છે. સરસ અને રમણીય દ્રશ્ય છે.ફોટોગ્રાફી પણ સારી કરી શકાય છે.અહીં ઘોડે સવારી, દૂરબીનવાળા, ચણા,બોર,કેરી વગેરે વેચનારા, લીંબુ પાણી/સરબત/સોડા વેચનારા જોવા મળે છે. આ સિવાય જીપ્સી કારમાં આવેલાં પર્યટકો પણ જોવાં મળે છે. પંચમઢીથી મહાદેવ જવાના રસ્તામાં આ જગ્યા આવેલી છે.
ત્યાંથી આગળ એ જ રસ્તા પર બીજો એક પોઈન્ટ આવે છે. જેને પ્રિયદર્શિની પોઈન્ટ કે ઈકો પોઈન્ટ કહે છે. મુખ્ય રસ્તાથી એક કિલોમીટર જેટલું અંદર ટ્રેકિંગ કરીને આ જગ્યાએ પહોંચી શકાય છે. અહીં પહાડોની વચ્ચે ખીણોનો સુંદર વ્યુ છે.એક જગ્યાએ સરસ ઈકો સંભળાય છે. ત્યાંથી આગળ મેપમાં બતાવ્યા મુજબ પોઈન્ટ છે.પણ ત્યાં પહોંચતા એવી કોઈ જગ્યા જણાઈ નહીં.તેથી આગળ વધતાં ગ્રીન વેલી વ્યુ પોઈન્ટ આવ્યો.અહીંથી ખીણનો સુંદર ગ્રીન વ્યુ દેખાય છે.અહીં ફોટા પણ સરસ પાડી શકાય છે.આ જગ્યા થોડી રિસ્કી પણ છે. એથી આગળ વધતાં મહાદેવ પહોંચી જવાય છે.ત્યાં નીચે તળેટીમાં એક સાંકડી ગુફામાં શિવલિંગ છે.ત્યાં દર્શનાર્થીઓની લાઈન થાય છે.ગુફા સાંકડી હોવાથી એક સાથે એક જ જણ અંદર જઈ શકે છે.ત્યાંથી એકાદ કિલોમીટર બડા મહાદેવનું બીજું મંદિર છે.અહીં પણ ભક્તોની ભારે ભીડ હોય છે. ત્રીજું અને અંતિમ મહાદેવનું મંદિર એક પહાડ પર છે.ત્યાં પગથિયાં ચઢીને પહોંચી શકાય છે.મંદિર ઘણું મોટું અને આસ્થા ધરાવે છે.અહીં. કિલોનું ત્રિશૂળ છે.અહીં દર્શન કરીને અમે પરત રૂમ પર પરત જવા નિકળી ગયાં હતાં.
બપોરે રિસોર્ટમાં ટોમેટો શોરબા સૂપ, બટર ચીકન, ત્રણ પ્રકારની રોટી, વિવિધ પ્રકારના સલાડ, દહીં, બે પ્રકારના પાપડ, લીંબુ, મરચાં, જીરા રાઈસ, દાલ મખાની, કઠલ મસાલા, ભીંડી મસાલા, પનીર બટર મસાલા, આઇસક્રીમ વગેરેનું લંચ કરીને 4 થી 5 સ્વીમીંગ પૂલમાં પસાર કરીને સાંજે પચમરીના બજારમાં શોપિંગ કરવા અને પેટ્રોલ ભરાવા નીકળ્યાં હતાં. અહીંનું પ્રખ્યાત મધ અને અન્ય આર્યુવેદિક પ્રોડક્ટની માહિતી બે અલગ અલગ જગ્યાઓએથી લઈ ને 2 કિલો મધ, ચૂર્ણ, પાવડર વગેરે લીધાં. બાદમાં પેટ્રોલ ભરવાનીને રૂમ પર પાછાં ફર્યા હતાં.
ફોટોગ્રાફ્સ ફ્રોમ નિસર્ગ/સાક્ષી ફોન્સ...
છેલ્લો દિવસ 4.6.22 શનિવાર
આજે અમારા પ્રવાસનો પંચમઢીમાં છેલ્લો દિવસ હતો. સવારે નાહી ધોઈને પરવારીને 10 વાગે ચેક આઉટ કરી દેવું એવું નક્કી કરીને અમે સૂઈ ગયાં હતાં. સવારે વહેલાં ઊઠીને મેં વોકીંગ કર્યું હતું. એક લાલ માંકડાનું મોટું ટોળું રિસોર્ટમાં ઘૂસી ગયું હતું અને મને અને મારા જેવાં ઘણાંને બીવડાવીને પરેશાન કરી રહ્યું હતું. રિસોર્ટમાં છોડવાંઓને, વૃક્ષોને, ખુરશીઓને, સ્વીમીંગ પૂલને નુકસાન કરી રહ્યું હતું.મને એમનાં પર ઘણી ચીઢ ચડી હતી. પણ હું કાંઈ કરી શકું એમ ન હતો. મેં ચાલતાં ચાલતાં રિસોર્ટના બાગમાંથી ઘરે લાવી શકાય એવાં પાંચેક છોડની ગાંઠ અને ડાળીઓ ઘરે લાવવા તૈયાર કરી હતી.
રિસોર્ટની રેસ્ટોરન્ટમાં અંતિમવાર ચ્હા, કોફી, દૂધ, બદામ ઠંડાઈ, સિરીયલ્સ, બોઈલ્ડ એગ્સ, ઓમલેટ, સ્ટફ્ડ પરાઠાં, વિવિધ ગ્રીન સલાડસ્, ફણગાવેલાં મગ અને ચણા, કટલેસ, વેજ દાલિયા, બ્રેડ બટર જામ,દહીં, સંભાર, વેજીટેબલ સોટે આરોગીને 10 વાગે પરવારીને બધાંને બાય બાય કહીને અમે ગ્લેન વ્યુ રિસોર્ટ અને પંચમઢી વિદાય લીધી હતી.
બપોરે લગભગ 2 વાગે 200 કિલોમીટરનું અંતર કાપીને ભોપાલની રેસ્ટોરન્ટમાં લંચ લીધું હતું. રાતે 8 વાગે ઈન્દોર ક્રોસ કર્યું હતું. સવા નવ વાગે ધાર પહોંચતાં અને આણંદ લગભગ 350 કિલોમીટર દૂર હોવાથી રાત્રિરોકાણ ત્યાં જ કરવા વિચાર્યું હતું. અને હોટલ ચાવડા-જીમાં રોકાયા હતાં.બીજા દિવસે સવારે આ હોટલમાં ચા નાસ્તો કરીને આણંદ જવા રવાના થયાં હતાં. રસ્તામાં ખભોળજ આવતું હોવાથી માતાજી અને ઈશ્વરની આભાર સ્તુતિ માટે પંદર મિનિટ રોકાઈને બપોરે 1.00 વાગે આણંદ પહોંચી ગયાં હતાં.
આમ અમારો મધ્ય પ્રદેશનો પ્રવાસ અમારા આયોજન મુજબ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો. આ પ્રવાસનો કુલ ખર્ચ થયો હતો.
એક મિત્ર સાથે વાત કરતાં એણે એવો અભિપ્રાય આપ્યો હતો કે પંચમઢી માટે આ ખર્ચ વધારે કહેવાય. એનાં પ્રત્યુત્તરમાં મેં જણાવ્યું હતું કે Things can not be counted this way...the way you enjoy from the trip, fulfil your expectations and facilities you acquire through the money is counted and that is important.
વળી અમે ફરવા વિષે એવુ માનીએ છીએ કે ફરવા માટે વપરાતાં નાણાં કિંમતી નથી. જો આપની પાસે પૈસા હોય અને એનો તમે આવો ઉપયોગ ના કરી શકતા હો તો તમારા પૈસા કમાવા કે બચાવીને ધનવાન થવાનો આઈડિયા નકામો છે. વર્ષમાં ઓછામાં ઓછું એકવાર ફેમિલી સાથે આ રીતે ફરવા જવાથી જે નવા નવા અનુભવો થાય છે એને આધારે આપણને આપણાં ફેમિલી પ્રત્યેનો લગાવ અને બોન્ડીંગ વધે છે.ઘરમાંથી બહાર નીકળવાનો એક અજીબ આનંદ પ્રાપ્ત થાય છે અને રોજીંદી ઘટમાળ અને નોકરીની પળોજણમાંથી મુક્તિ મળતાં તાજગીનો અહેસાસ થાય છે.
Comments
Post a Comment